અયોધ્યામાં ધર્મસભા ખતમ, રામ મંદિર માટે આંદોલન ચાલુ રાખવાનો લેવાયો સંકલ્પ

ભગવાન રામની નગરી અયોધ્યામાં આજે રામ મંદિરના નિર્માણની માગણી સાથે વિશ્વ હિન્દુ પરિષદની ધર્મસભાનું આયોજન થયું.

અયોધ્યામાં ધર્મસભા ખતમ, રામ મંદિર માટે આંદોલન ચાલુ રાખવાનો લેવાયો સંકલ્પ

નવી દિલ્હી: ભગવાન રામની નગરી અયોધ્યામાં આજે રામ મંદિરના નિર્માણની માગણી સાથે વિશ્વ હિન્દુ પરિષદની ધર્મસભા થઈ. ધર્મસભામાં રામ મંદિરના નિર્માણ માટે આંદોલનને ચાલુ રાખવાનો સંકલ્પ લેવામાં આવ્યો આ ધર્મસભામાં વીએચપી તરફથી લગભગ 2 લાખ લોકોના પહોંચવાનો દાવો કરવામાં આવ્યો હતો. ધર્મસભામાં વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ ચંપત રાયે મહત્વનું નિવેદન આપ્યું.. તેમણે કહ્યું કે અમારી ધીરજની કસોટી ન કરવામાં આવે. રામ મંદિર પર જમીન વહેંચણીનો ફોર્મ્યુલો અમને મંજૂર નથી. રામ જન્મભૂમિના ભાગલા અમને સ્વીકાર્ય નથી, અમને પૂરેપૂરી જમીન જોઈએ. ધર્મસભાનું આયોજન મોટા ભક્તિમાલની બગિયામાં સવારે 11 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું.  વિશ્વ હિંદુ પરિષદનું કહેવું છે કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે આ છેલ્લી ધર્મસભા છે. ધર્મસભા માટે ઉત્તર પ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાંથી ભક્તો અયોધ્યા પહોંચી ગયા હતાં.

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ચંપત રાયે કહ્યું કે તેમને મંદિર માટે જમીનની વહેંચણીનો ફોર્મ્યુલો મંજૂર નથી. તેમને પૂરેપૂરી જમીન જોઈએ છે. રાયે વીએચપી દ્વારા આયોજિત ધર્મસભામાં કહ્યું કે 'અમને વહેંચણીનો ફોર્મ્યુલો મંજૂર નથી. અમને ટુકડા (જમીનનો) જોઈતા નથી. રામ મંદિર માટે પૂરે પૂરી જમીન જોઈએ.' તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ એ દરેક હિંદુનું સપનું છે અને તે કોઈ પણ સંજોગોમાં પૂરું થઈને રહેશે. જો કે રાયે વહેંચણી અંગે કોઈ ફોર્મ્યુલાનો ખુલાસો કર્યો નહતો. 

આ દરમિયાન અયોધ્યા વિવાદના પ્રમુખ પક્ષકાર સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ ઉત્તર પ્રદેશના અધ્યક્ષ ઝુફર ફારુકીએ રાયના નિવેદન અને ફોર્મ્યુલાના ઉલ્લેખ અંગે જ્યારે પૂછવામાં આવ્યું તો તેમની જાણકારી મુજબ મુસ્લિમ પક્ષ તરફથી કોઈ ફોર્મ્યુલા આપવામાં આવ્યો નથી. તેમણે  કહ્યું કે જ્યાં સુધી મીડિયામાં મુસ્લિમ પક્ષ દ્વારા વિવાદિત સ્થળની એક તૃતિયાંશ જમીનને છોડીને બાકીની ભૂમિ આપવાની વાત કરવામાં આવી રહી છે તો એ જણાવવું જરૂરી છે કે અમે આવું કોઈ વચન આપ્યું નથી. 

ફારૂકીએ કહ્યું કે હિન્દુ પક્ષ ક્યારેય વાતચીતના ટેબલ પર આવ્યો નથી. પક્ષકાર ઈચ્છે તો વાતચીતથી ઈન્કાર નથી. વાતચીત માટે અમે ક્યારેય ના પાડી નથી. મુદ્દો એ જ છે કે વાત  કરવામાં આવે. તેમણે કહ્યું કે જો વાતચીત થાય તો તેમાં કેન્દ્ર સરકારે મધ્યસ્થતા કરવી જોઈએ. કા પછી ફક્ત પક્ષકારો જ બેસીને વાત કરે, બીજા લોકો નહીં. 

અત્રે જણાવવાનું કે સપ્ટેમ્બર 2010માં અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ પેનલે રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ મામલે પોતાનો ચુકાદો આપતા વિવાદાસ્પદ સ્થળની એક તૃતિયાંશ જમીન મુસ્લિમ પક્ષને અને બાકીની જમીન બે અન્ય પક્ષકારોને આપવાનો આદેશ આપ્યો હતો. જેને સુપ્રીમમાં પડકારવામાં આવ્યો. અહીં મામલો હજુ પેન્ડિંગ છે. 

રામ મંદિરના નિર્માણને લઈને થઈ રહેલા આ ધર્મસભાને લઈને શ્રી રામજન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસે કહ્યું કે ગઈ કાલે રામ મંદિર નિર્માણને લઈને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે વાત થઈ છે. આજે ધર્મસભા  દ્વારા સરકારને ચેતવવામાં આવશે કે તેઓ રામ મંદિરનું નિર્માણ કરાવે. 

વીએચપીની આ ધર્મસભામાં શ્રી રામજન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ, જગતગુરુ રામ ભદ્રાચાર્ય, જગતગુરુ હંસ દેવાચાર્ય, હરિદ્વારના સંત અને આરએસએસના મોટા ચહેરા પણ સામેલ થયા છે.  ફૈઝાબાદથી અયોધ્યા સુધી જતા રસ્તાને પોલીસે બ્લોક કર્યો છે. જેના પર મેજિસ્ટ્રેટ પણ હાજર છે. કહેવાય છે કે રામભક્તોથી ભરેલી 130 બસો અયોધ્યા પહોંચી ગઈ છે. આ સાથે જ સવાર સુધીમાં 20,000 રામભક્તો પહોંચ્યા હતાં. 

અયોધ્યા કિલ્લામાં ફેરવાયુ
વિશ્વ હિન્દુ પરિષદની ધર્મસભાના આયોજનના એક દિવસ પહેલેથી અયોધ્યા છાવણીમાં ફેરવાઈ ગયું છે. મોટી સંખ્યામાં સુરક્ષાદળોની તહેનાતી કરાઈ છે. નિગરાણી માટે ડ્રોન કેમેરા લગાવવામાં આવ્યાં છે. યુપી પોલીસના એક પ્રવક્તાએ કહ્યું કે અયોધ્યામાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે એક એડિશનલ ડીજીપી સ્તરના અધિકારી, એક ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ, 3 એસએસપી, 10 એએસપી, 21 ક્ષેત્રાધિકારી, 160 ઈન્સ્પેક્ટર, 700 કોન્સ્ટેબલ, પીએસીની 42 ટુકડી, આરએએફની પાંચ કંપનીઓ તહેનાત કરાઈ છે. આ ઉપરાંત એટીએસના કમાન્ડો અને ડ્રોન કેમેરા પણ નિગરાણી માટે તહેનાત કરાયા છે. શિવસેનાને રેલી કરવા માટે મંજૂરી અપાઈ નથી. 

રામ મંદિરની માગણી કરાઈ
હાલમાં જ જારી કરાયેલા એક પરચામાં વીએચપીએ મંદિર નિર્માણની વાત જોરશોરથી ઉઠાવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે રામની કસમ ખાઈએ છીએ કે અમે ભવ્ય મંદિર બનાવીશું. ધર્મસભાના આયોજકોનો દાવો છે કે ભગવાન રામના 3 લાખથી પણ વધુ ભક્તો આ સભામાં આવશે. 

મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચી રહ્યાં છે
વીએચપી તરફથી આજે કરાયેલી આ ધર્મસભામાં 2 લાખથી વધુ લોકો સામેલ થાય તેવી આશા વ્યક્ત કરાઈ રહી  છે. વીએચપી તરફથી સ્પષ્ટ કરાયું છે કે રામ મંદિરના નિર્માણ માટે આ છેલ્લી ધર્મસભા છે. આ ધર્મસભાની તૈયારી માટે આરએસએસ અને વીએચપી તરફથી કોઈ કસર બાકી રાખવામાં આવી રહી નથી. સમગ્ર દેશમાંથી રામભક્તો આ  કાર્યક્રમમાં  સામેલ થઈ રહ્યાં છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના મતવિસ્તાર અમેઠી તથા રાયબરેલીથી પણ લગભગ 30,000 લોકો અયોધ્યા પહોંચી રહ્યાં છે. 

અખાડા પરિષદે જાળવ્યું અંતર
અયોધ્યામાં વીએચપી અને શિવસેના તરફથી આયોજીત ધર્મસભા અંગે અખિલ ભારતીય અખાડા પરિષદે અંતર જાળવ્યું છે. અધ્યક્ષ નરેન્દ્ર ગિરીએ કહ્યું કે અમે બંનેની સભામાં જઈશું નહીં. આ સાથે જ અખાડા પરિષદે સુપ્રીમ કોર્ટ તરફથી રામ મંદિરના ચુકાદા પર થઈ રહેલા વિલંબ પર કહ્યું કે કોર્ટ માટે ચુકાદો લેવો મુશ્કેલ બની રહ્યો છે. આથી સંતોનો મત છે કે રામ મંદિર માટે કાયદો બને. પરંતુ તમામ લોકો રામ મંદિરના મુદ્દાને કેશ કર્યા કરે છે. ભાજપ કહે તો છે કે રામ મંદિર બનાવીશું પણ કોઈ સ્પષ્ટ નિર્ણય પર પહોંચવું મુશ્કેલ છે. જો ભાજપે રામ મંદિર બનાવવું જ હોય તો કાયદો લાવીને ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news